Thursday, December 5News That Matters

વલસાડ વહીવટીતંત્ર મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની નરેન્દ્ર મોદીની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001 થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.બેઠક દરમિયાન આ સપ્તાહની ઉજવણી દરમિયાન થીમ આધારિત દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા-ડિજિટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલાસ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં જનહિતના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસ કાર્યો અંગે પણ જિલ્લા કલેકટરશ્રીએ સમીક્ષા કરી હતી. પાલિકા અને ગ્રામ વિસ્તારોમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જાહેર સ્થળો પર મુકવામાં આવેલા મહાનુભાવોના સ્મારકોની સફાઈ અંગે પણ કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતું.

સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. કચેરીના કર્મયોગીઓ પણ આ વિકાસ સપ્તાહમાં સક્રિયરીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કલેકટરશ્રીએ કરી હતી.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે.

આ બેઠકમાં “વિકાસ સપ્તાહ” અન્વયે તબક્કાવાર વિવિધ કાર્યક્રમોના આયોજન અને અમલવારી અંગે કલેક્ટરશ્રીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની રૂપરેખા આપી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસૂયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *