Friday, September 13News That Matters

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠક, તમામ ધારાસભ્યોના પાકા રિપોર્ટ સામે સાંસદ નો રિપોર્ટ રહ્યો અધૂરી માહિતી જેવો…?

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તાર ની અનેક સમસ્યાઓની રજુઆત કરી હતી. જો કે, બેઠકમાં છવાઈ જવાના મનોરથ સાથે આવેલા સાંસદે સૌથી વધુ રજુઆત કરી હતી. પરંતુ, તેમની કેટલીક રજૂઆતોનું નિરાકરણ પહેલા જ થઈ ચૂક્યું હોવાની પ્રતીતિ અધિકારીઓના જવાબ પરથી જોવા મળી હતી. ધારાસભ્યો જે રીતે પાકો રિપોર્ટ લઈને આવ્યા હતા તેની સરખામણીએ સાંસદ નો રિપોર્ટ અધકચરી માહિતી જેવો નવાઈ પમાડતો હતો.સંકલન બેઠકમાં જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના રસ્તા, જિલ્લા પંચાયત અને સ્ટેટના માર્ગ મકાન વિભાગના રસ્તાઓ પર પડેલા ખાડા અને જીવલેણ અકસ્માતોને લઈ પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરે પણ સંબંધિત ત્રણેય વિભાગના અધિકારીઓને યુધ્ધના ધોરણે જિલ્લાના જે પણ રસ્તા પર ખાડા પડ્યા હોય ત્યાં મરામત કામગીરી કરવા માટે જણાવ્યું હતું. જો હાઈવે પર ખાડાના કારણે અકસ્માત થાય અને કોઈનો જીવ જશે તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવાશે એવી ખુલ્લી ચીમકી આપી તમામ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવા કડક શબ્દોમાં જણાવ્યું હતું. 

સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે ને.હા.નં. ૪૮ પર જીવલેણ ખાડા મુદ્દે એનએચએઆઈના અધિકારીઓને કડક શબ્દોમાં જણાવ્યું કે, પારડી વલ્લભ આશ્રમ પાસે હાઈવે પર સંજય મિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ. ૫૨, રહે. કુંભારિયા, પારડી)નું ખાડાને કારણે થયેલા અકસ્માતમાં મોત નિપજયુ હતું ત્યારબાદ હાઈવે ઓથોરિટી દ્વારા રાત્રે બે વાગ્યે ખાડા પૂરવામાં આવ્યા તો પહેલાથી જ આ કામગીરી કેમ થતી નથી. જ્યાં સુધી સલામત અને સુરક્ષિત નેશનલ હાઈવે પ્રજા માટે ન બનાવો ત્યાં સુધી ટોલટેક્ષ પણ લેવાનું બંધ કરી દો કહી અધિકારીઓની કામગીરી સામે કટાક્ષ કર્યો હતો.

આ જ મામલે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હાઈવે ઉપર ૪૮ કલાકમાં ખાડા ભરવા માટે જણાવ્યુ હતું પણ હજુ સુધી કામગીરી અધૂરી છે. બલીઠા હાઈવે પર પાણી ભરાય રહે છે તેમજ ઠેર ઠેર મસમોટા ખાડા છે, સર્વિસ રોડ પણ ઘણી જ્ગ્યાએ બન્યા ન હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે.

જે સંદર્ભે હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરે કહ્યું કે, અમે ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા છે, જે મામલે કલેકટરએ કહ્યું કે, રોજે રોજ જે કામગીરી કરો તેનો ફોટા સાથેનો અહેવાલ રજૂ કરવો. જિલ્લા પંચાયત પ્રમુખએ વધુમાં વલસાડ તાલુકાના કાકડમટી ગામમાં પાવરગ્રીડ કોર્પોરેશનની વીજ લાઈન અન્વયે વૃક્ષો તેમજ પાકને નુકશાનીનું વળતર ખેડૂતને ચૂકવાયુ નથી તે મામલે પૂછતા પાવરગ્રીડના ડેપ્યુટી મેનેજરે બેંકનો ઈસ્યુ હોવાનું જણાવ્યું હતું. 

સાંસદ ધવલ પટેલે જિલ્લામાં એસસી/એસટી/ઓબીસીના જાતિના દાખલા માટે હેલ્પલાઈન દરેક પ્રાંત કચેરીમાં ઉભી કરવા જણાવતા વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંતે જણાવ્યું કે,જાતિના દાખલાની અરજી અંગે રોજે રોજ નિકાલ કરવામાં આવતો છે. જનસેવા કેન્દ્રમાંથી બે થી ત્રણ દિવસમાં જાતિના દાખલા આપી દેવામાં આવે છે. કોઈ દાખલા પડતર રહેતા નથી. 

આ સિવાય આદિવાસી સમાજના લોકોને જમીન સનદ આપવાની કેટલી અરજી પડતર છે તે મામલે પ્રાયોજના વહીવટદારે જણાવ્યું કે, ૩૪૧૬૭માંથી ૩૧૦૧૮ દાવાનો નિકાલ કરાયો છે. હવે ૩૧૪૯ દાવા બાકી છે જે મુદ્દે ગીર ફાઉન્ડેશન કચેરી તરફથી ૨૦૦૫ પહેલાના કબજા બાબતે ચકાસણી થઈ ડેટા આવ્યા બાદ નિકાલ કરવાની કાર્યવાહી ચાલુ છે.

સાંસદએ વલસાડ રેલવે સ્ટેશને ઉદભવતી ૧૩ જેટલી વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા પરંતુ બેઠકમાં એરિયા મેનેજર કે સક્ષમ અધિકારી હાજર ન હોવાથી કલેકટરએ એઆરએમ વતી આવેલા કલાર્કને ટકોર કરતા કહ્યું કે, સંકલનની બેઠકમાં અધિકારીઓની હાજરી હોય તો પ્રશ્નોનો ઉકેલ થઈ શકે જેથી હવેની સંકલન બેઠકમાં આપના અધિકારીને હાજર રહેવા જણાવ્યું જેથી પ્રજાના પ્રશ્નોનો નિવેડો આવી શકે.

આ સાથે જ કલેકટરએ ઉપસ્થિત તમામ અધિકારીઓને કહ્યું કે, સંકલનની બેઠકમાં પ્રતિનિધિઓને મોકલવા નહી, કોઈપણ અધિકારી અનિવાર્ય કારણ સિવાય ગેરહાજર રહી શકશે નહી.  સાંસદએ કપરાડાના બારપુડામાં સ્મશાનમાં શેડની વ્યવસ્થા કરવા જણાવી વધુમાં કહ્યું કે, ધરમપુર અને કપરાડા તાલુકાના કેટલાય ગામોમાં સ્મશાનભૂમિ નથી લોકોએ ચોમાસામાં હેરાન થવુ પડે છે જેથી સર્વે કરાવવા જણાવ્યું હતું.

આ સિવાય સાંસદએ ડુંગરીમાં પશુ દવાખાનામાં પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા પુનઃ ચાલુ કરવા બાબત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધરમપુરની જમીન ફાળવણી, સરદાર માર્કેટ વેપારી એસો.ની ભાડા વધારા બાબત, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા બાબત, ધરમપુર લાઈબ્રેરીમાં પુરતી સુવિધા ઉપલબ્ધ કરવી, માછીમારો પડતી તકલીફો, ઉમરગામમાં મતસ્ય ઉતરાણ કેન્દ્રની કામગીરી, તિથલ બીચ પર બાંકડા, લાઈટ, હાઈમસ્ટ ટાવર અને તૂટેલી ટાઈલ્સ વગેરેની કામગીરી, દાંડીમાં નહેરનું સમારકામ, બે હાઈમસ્ટ ટાવર અને ૩ કિમીની પ્રોટેક્શન વોલ, નારગોલ પ્રોટેકશન વોલ અને જિલ્લાના ગામડાઓમાં મોબાઈલ નેટવર્કનો અભાવ સહિતના કુલ ૧૭ પ્રશ્નો રજૂ કર્યા હતા.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જિલ્લામાં નવી દૂધ સહકારી મંડળી બનાવી લોકોને રોજગારી મળી શકે તેવી રજૂઆત કરતા જિલ્લા રજિસ્ટ્રારે કહ્યું કે, આ બાબતની સત્તા રાજ્ય સહકારી મંડળી, ગાંધીનગર પાસે છે. વંકાસ મલાવ ઓવરબ્રિજ પછી લીંક રોડ મલાવથી તલવાડાનો રસ્તો પહોળો કરવા મુદ્દે તેમણે રજૂઆત કરતા મા.મ. (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર કહ્યું કે, જમીન માલિકી ધરાવતા ખેડૂતોએ રસ્તો પહોળો ન કરવા જણાવતા જમીન સંપાદનની પ્રક્રિયા થઈ નથી. 

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ રજૂઆત કરી કે, મધુબન ડેમના વિસ્થાપિત ખેડૂતોને જમીન નામે કરી આપવા કાર્યવાહી કરવા જણાવતા કલેકટરએ આ મુદ્દો ૧૯૭૭-૭૮ની સાલની હોય આ મામલે સિવિલ કોર્ટમાં વિસ્થાપિતો દ્વારા કાર્યવાહી કરી શકાય છે.

નાનાપોંઢા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક અને પિડિયાટ્રીક છેલ્લા અઢી વર્ષથી રજા પર હોવાનું ધારાસભ્ય ચૌધરીએ જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ પ્રત્યુત્તર આપ્યો કે, બંને જગ્યા પરના તબીબો રાજીનામુ આપી ગયા હોવાથી ઉપલી કચેરી દ્વારા કાર્યવાહી કરવાની રહે છે.

કપરાડાના હુંડા ગામના આંબાપાડ પ્રાથમિક શાળામાં શિક્ષક હાજર રહેતા ન હોવાનું ચૌધરીએ જણાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું કે, વધ પડેલા શિક્ષકનો હુકમ થયો છે પરંતુ તેઓ હાજર થયા નથી અને હાઈકોર્ટમાં કેસ ચાલે છે. જેથી મહેકમ ખાલી ન પડતા અન્ય શિક્ષક મુકાયા નથી.

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ધરમપુરના રાજપુરી તલાટ ગામના ખેડૂતોને દમણગંગા બલ્ક લાઈન ફેસ-૨નું વળતર કેમ ચૂકવવામાં આવ્યુ નથી એવો પ્રશ્ન પૂછતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરએ કહ્યું કે, ૫૧ ખેડૂતોને ચૂકવણુ કરાયુ છે પરંતુ ૧૩ ખેડૂતોના પૂરાવા રજૂ થયા નથી જે રજૂ થયા બાદ મંજૂરી મળ્યેથી ચૂકવણુ કરાશે.

ધરમપુર-કપરાડાના આદિવાસી ગામોમાં આવશ્યક ચીજ વસ્તુઓ એક્ષપાયરી ટેડ વાળી વેચાતી હોવાની રજૂઆત કરતા ખોરાક ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરે કહ્યુ કે, અલગ અલગ જગ્યાએ તપાસ કરી એક્ષપાયરી ડેટ વાળી પ્રોડકટનો નાશ કરાયો છે, જેના જવાબમાં ધારાસભ્યએ કહ્યું કે, હકીકતમાં મોટા મોલમાં રેડ કરવાની જરૂર છે તેઓના દ્વારા એક્ષપાયરી ડેટ પુરી થવાને એક મહિનો બાકી હોય તેવી વસ્તુ સ્કીમના નામે વેચી દે છે. જે મામલે કલેકટરએ જિલ્લામાં ડ્રાઈવ ચલાવવા સૂચન કર્યુ હતું.

પટેલે ધરમપુર-કપરાડામાં બોરમાં પાણી ન મળતા ફેઈલ ગયા હોવાનું જણાવી વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર કરાયુ કે કેમ તેવો પ્રશ્ન પૂછયો હતો. જે મામલે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે કહ્યું કે, આ બોરને રિચાર્જ સ્ટ્રક્ચરમાં ફેરવી દો અને તે માટે એક્શન પ્લાન બનાવવા જણાવ્યું હતું.

અરવિંદભાઈ પટેલે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મંજૂર મકાનો, સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં ગાયનેકોલોજીસ્ટ, ફીઝીશીયન અને ઓર્થોપેડિક ડોકટોરની ખાલી જગ્યા અને હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા મુદ્દે રજૂઆત કરી હતી.

ઉમરગામના ધારાસભ્યએ પણ ઉમરગામ તાલુકામાં માત્ર બે જ સીએચસી હોવાની રજૂઆત કરી આરોગ્ય સેવા વધુ સુદઢ બનાવવા જણાવ્યું હતું.

ભાગ- ૨ ની બેઠકમાં કલેકટરએ તાકીદ કરતા જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓ રોગચાળો ન ફેલાઈ તે માટે ડ્રાઇવ ચલાવો. પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સુપર ક્લોરીનેશન કરો. મચ્છરો ન ફેલાય તે માટે અગમચેતી રાખવા જણાવ્યું હતું. સરકારી મકાન, સ્કૂલ અને આંગણવાડીઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ તા. ૧૭ સપ્ટેમ્બર થી ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ ચાલુ થશે તેનું આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં શાળા અને આંગણવાડીઓમાં ઓરડા, ટોયલેટ, મલ્ટી પર્પઝ હોલ અને મધ્યાહન ભોજન યોજનાના શેડની સુવિધા પર કલેકટરશ્રીએ વિશેષ ભાર મુકી સૌ પ્રથમ ટોયલેટ બ્લોક બનાવવા જણાવ્યું હતું.

કપરાડામાં સૌથી વધુ પીવાતા કોલ્ડડ્રિંકસથી થતા નુકશાન બાબતે ડ્રાઈવ ચલાવવા સૂચન…..

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બેઠકમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાત નહીં પરંતુ સંભવતઃ આખા દેશમાં સૌથી વધુ કોલ્ડ ડ્રિંક્સ કપરાડામાં પીવાય છે. એક્ષપાયરી ડેટ પણ કોઈ ચેક કરતુ નથી. જેના કારણે સુગર થવાની પણ શકયતા રહે છે. લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયાનો ધુમાડો કોલ્ડ ડ્રિંક્સ પાછળ થતો હોય છે. વધુ પડતા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. જે મામલે કલેકટરશ્રીએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને સ્કૂલ કોલેજોમાં વધુ પડતા ઠંડા પીણા પીવાથી આરોગ્યને થતુ નુકશાન અંગે જાગૃતિ ફેલાવવા સૂચન કર્યુ હતું.

બેઠકમાં ઉત્તર વન વિભાગના ડીએફઓ નિશા રાજ, દક્ષિણ વન વિભાગના ડીએફઓ ઋષિરાજ પુવાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયા, ડીવાયએસપી એ.કે.વર્મા સહિત જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *