વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા રૂ. 10.48 કરોડના ખર્ચે 66 કે.વી. ચલા સબ સ્ટેશન અને રૂ. 11.18 કરોડના ખર્ચે 66 કે.વી. છીરી સબ સ્ટેશન મળી કુલ રૂ. 21.66 કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા 66 કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 6.06 કરોડના ખર્ચે 1.8 કિમી અને છીરી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. 14.21 ના ખર્ચે 4.20 કિમી બેવડી વીજરેષાવાળી અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂ. 20.27 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબ સ્ટેશન ન હતું પરંતુ, હવે આ નવા 66 કેવી સબ સ્ટેશનના નિર્માણથી ફિડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે. ચલા સબ સ્ટેશનના નિર્માણ માટે 4900 ચો.મી. જમીન માં ફાઉન્ડેશન દ્વારા માત્ર રૂ.1/- ના ટોકન દ્વારા આપવામાં આવી છે.
મંત્રી કનુભાઈ દેસાઈએ બંને સબ સ્ટેશનના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યુ હતું કે, વીજ આવશ્યકતાને પહોચી વળવા મહત્તમ કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકોએ માત્ર સાંજે જમતા સમયે વિજળી મળે એવી માગ કરી હતી. તેમણે માત્ર બે વર્ષમાં જ 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આજે ગુજરાત પવન ઉર્જા અને સોલાર ઊર્જામાં જેવી રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં દેશમાં નબર વન છે. ઉદ્યોગ તેમજ ખેતીવાડીના વિકાસ માટે વીજળી આપવાની ક્ષમતાને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્રયાસો સાથે જેટકો પણ સહયોગથી કાર્ય કરે છે.
ચલા સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા 40 MVM છે. જેમાં ચિકુવાડી(અર્બન), ચલા(અર્બન), વાપી ટાઉન(અર્બન), જીએસટી(અર્બન), મેરીલ (ઈન્ડસ્ટ્રીયલ) અને ગુરૂકુળ(અર્બન) ના 11 કે.વીના 6 ફિડરો સ્થાપિત કરવામાં આવશે.
છીરી સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા 40 MVM છે. જેમાં છીરી ન્યુ(જે.જી.વાય), ગાલા મસાલા (જે.જી.વાય), જે-નાનજી (ઈન્ડસ્ટ્રીયલ), અલાઈડ સ્પેર્સ (જી.આઈ.ડી.સી) અને યમુના (જી.આઈસી.સી) ના 11 કે.વીના પાંચ ફિડરો સ્થાપિત કરવામાં આવશે.
નવા બનનારા સબ સ્ટેશનો દ્વારા કુલ 24710 જેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે. જેટકોના MD ઉપેન્દ્ર પાન્ડે અને DGVCL ના MD યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનો અને એડિશનલ ચીફ એન્જિનિયર એમ.જે. વસાવાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે VIA પ્રમુખ સતિષ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, OSD જે. ડી. તન્ના, વાપી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ધીનૈયા, વાપી મામલતદાર કલ્પનાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, વાપી નોટીફાઈડ એરિયા પ્રમુખ હેમંત પટેલ, કારોબારી અધ્યક્ષ મનોજ પટેલ, માં ફાઉન્ડેશનના પ્રતિનિધિ નાનુભાઈ પટેલ અને હિતેશભાઈ પરીખ, છીરમાં છીરી પંચાયતના કારોબારી સભ્ય નુરુદ્દીન ચૌધરી, અધિક્ષક ઈજનેર પી. જી. પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.