Thursday, December 5News That Matters

કોરોના મહામારીમાં UPL કંપનીએ 4 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો

વાપી :- જરૂરિયાત એ શોધની જનેતા છે. આ કહેવતને હાલની કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવાના એક આઈડિયા જો બદલ દે દુનિયાના રૂપ માં UPL કંપનીએ સાર્થક કરી છે. કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવા UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો છે. ગુજરાતમાં વાપી, સુરત, અંકેલશ્વર અને મધ્યપ્રદેશના ઇન્દોર માં કંપનીએ પોતાનાં નાઇટ્રોજન પ્લાન્ટને બંધ કરી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટના રૂપે શિફ્ટ કર્યો છે. આગામી એક સપ્તાહમાં આ પ્લાન્ટ થકી ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

 

કોરોના મહામારીમાં UPL કંપનીની પહેલ…
ઓક્સિજનની ઘટ નિવારવા મદદરૂપ બનશે…
UPL તેના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કર્યો……
વાપી સહિત 4 હોસ્પિટલમાં ઓક્સિજન આપશે…
વાપીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) કંપની ગુજરાતમાં એના નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સિજનનું ઉત્પાદન કરશે. આ ઓક્સિજન ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ચાર હોસ્પિટલોને  પૂરો પાડી હાલ કોરોના મહામારીમાં ઉભી થયેલી ઓક્સિજનની તંગીને નિવારવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. ગુજરાતમાં આ પ્લાન્ટ સુરત, અંકલેશ્વરની હોસ્પિટલ ઉપરાંત વાપીની હરિયા હોસ્પિટલમાં આગામી ચારેક દિવસમાં ધમધમતો થઈ જશે.
ચેરમેન રજ્જુભાઈ શ્રોફ, સાંદ્રાબેન શ્રોફ અને જય શ્રોફની આગેવાનીમાં UPL ગ્રૂપ સામાજિક જવાબદારી નિભાવવા માટે દેશભરમાં જાણીતું ગ્રૂપ છે. આ ગ્રુપે હાલની કોરોના મહામારીમાં વાપીની હરિયા હોસ્પિટલને વેન્ટીલેટરની જરૂરિયાત પૂરી કર્યા બાદ હવે ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવાની અનોખી પહેલ કરી છે. આ અંગે UPL વાપીના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર કનું દેસાઈએ વિગતો આપી હતી કે હાલની કોરોના મહામારીમાં હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા કંપનીએ આ પહેલ કરી છે. જે એક ઇનોવેશનના રૂપે તેમના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી સુરત, અંકેલશ્વર, વાપી અને ઇન્દોરની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. આગામી ચારેક દિવસમાં આ પ્લાન્ટ થકી હોસ્પિટલમાં જ ઓક્સિજનનું ઉત્પાદન કરી દર્દીઓને આપવામાં આવશે.
કોરોના મહામારીમાં ઈંડિજીનીયસ આઈડિયા.. 
કંપનીની આ પહેલ સાથે કનું દેસાઈએ અન્ય ઉદ્યોગપતિઓને પણ અપીલ કરી હતી કે તે પણ તેમના નાઇટ્રોજન પ્લાન્ટને આ રીતે ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી હાલની મહામારીમાં ઉપયોગી થવા આગળ આવે એ સમયની માંગ છે. જો કે આ આઈડિયા હાલની કોરોના મહામારીમાં ઈંડિજીનીયસ આઈડિયા તરીકે બહાર આવ્યો છે. આ પ્લાન્ટ સ્કીડ માઉન્ટેડ હશે અને હોસ્પિટલ સાઈટને સીધો ઓક્સિજન પ્રદાન કરશે. જેને હોસ્પિટલની ecosystem માં અલગ કરીને તેમને પુરવઠામાં આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.
હોસ્પિટલમાં 200 થી 250 બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય….
આ ઇનોવેશનથી ICU માં સારવાર મેળવતા કોવિડના દર્દીઓ સહિત હોસ્પિટલમાં 200 થી 250 બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકશે. આ પ્રકારના મધ્યમ કક્ષાના પ્લાન્ટથી હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાતને પરિપૂર્ણ કરી શકાશે. આ પ્લાન્ટની ક્ષમતા રોજના 50 સિલિન્ડર સુધીની હોઈ શકે છે અને એ 40 થી 50 બેડ સુધીની જરૂરિયાતને સામાન્ય સંજોગોમાં પહોંચી શકે છે.
પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા…….
 ઉલ્લેખનીય છે કે પૃથ્વી એક માત્ર ગ્રહ છે. જેને  અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વીની ચારે બાજુ લગભગ 800 થી 1000 કિલો મીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુનું આવરણ છે. જેમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78.03 ટકા, ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા, ઓર્ગોન નું પ્રમાણ 0.94 ટકા, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03 ટકા છે. આ વાયુમાંથી ઓક્સિજન વાયુ આપણે ગ્રહણ કરીએ છીએ. પરંતુ મેડિકલમાં તેને એક ખાસ પ્રક્રિયા થકી ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં તેની શુદ્ધતા 98 ટકા સુધીની હોય છે. આ શુદ્ધ ઓક્સિજન દર્દીને સ્વસ્થ થવામાં જલ્દી મદદરૂપ બને છે. અને એટલે જ હાલમાં કોરોના મહામારીમાં મેડિકલ ક્ષેત્રે શુદ્ધ ઓક્સિજનની તંગી સર્જાઈ છે. જે માટે નાઇટ્રોજન પ્લાન્ટ ને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી ઓક્સિજનની તંગી નિવારવાના ઇનોવેટિવ આઈડિયાનો જન્મ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *