બહુ પ્રચલિત “દે ઘુમાકે – અન્ડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ”ની ત્રીજી રોમાંચક સિઝન લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ, સરીગામ ખાતે શરૂ થઈ ચુકી છે. આ ટુર્નામેન્ટ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા આયોજિત અને લક્ષ્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (LIT)ના ડૉ. બસાવરજ પાટીલ (નિર્દેશક, LIT)ના સશક્ત માર્ગદર્શન હેઠળ સંકલિત છે. ટુર્નામેન્ટ યુવા ક્રિકેટરની પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ થી આયોજિત કરવામાં આવી છે.
આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ આજે સવારે 10:00 વાગ્યે રાખવામાં આવેલ હતો, જેમાં પ્રોફેસર પરિક્ષિત પટેલ (હેડ, મેક્નિકલ ઇજનેરિંગ વિભાગ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, ડાયરેક્ટર ડો પાટીલ (LIT) એ કેમ્પસ પરિવાર વતી યજમાન સ્થાનેથી, આમંત્રિત મહાનુભાવો અને સ્પર્ધકોનું સ્વાગત કરતા ટુર્નામેન્ટ માટે ઊર્જાવાન માહોલ ઊભો કર્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ભાવેશ બારૈયાનું સન્માન કર્યું હતું, જે ગુજરાત ટીમના જાણીતા ક્રિકેટર છે. આ પ્રસંગે, લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસના વિવિધ શાળાઓ અને કોલેજોના વડાઓ તેમજ સ્થાનિક ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની હાજરીએ આ કાર્યક્રમની શોભા વધારી હતી.
મુખ્ય અતિથિએ ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સ્પર્ધકોને સંબોધન કર્યું હતું. તેમણે ક્રિકેટ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના મૂલ્યો, પ્રતિબદ્ધતા અને શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો હતો. યુવા ક્રિકેટરોને પ્રેરિત કરતા તેમણે જણાવ્યું કે, “આજનું તમારું રમતમાં સમર્પણ જ તમારું આવતીકાલનું પ્રભાવશાળી ભવિષ્ય નિર્માણ કરશે માટે તમારી સ્પર્ધામાં 100 ટકા આપો.
“મુખ્ય અતિથિના વક્તવ્ય બાદ સૌ મહાનુભાવોની ઉપસ્થિતમાં મશાલ પ્રગટાવીને મશાલ રેલી દ્વારા કાર્યક્રમના નિર્દેશન સાથે કાર્યક્રમનો પ્રારંભ જાહેર કરાયો હતો. આ વર્ષેની સ્પર્ધામાં વલસાડ જિલ્લા અને ઉમરગામ ની સરહદે આવેલ મહારાષ્ટ્રના નજીકના વિસ્તારોની એમ કુલ મળી 32 શાળાઓની ટીમોએ ભાગ લીધો છે,
જેમાં આગામી દસ દિવસમાં કુલ 31 રોમાંચક મેચો રમાશે. આજે ચાર શાળાઓ વચ્ચે ત્રણ મેચો સાથે ટુર્નામેન્ટની પ્રારંભિક ખેલમાં સ્પર્ધાત્મક ઉત્સાહ જોવા મળ્યો હતો, જે 6 ડિસેમ્બર, 2024ના ગ્રાન્ડ ફિનાલે તરફ દોરી જશે. અત્રે રમાતી મેચો માટે આયોજકો દ્વારા લિંક પણ પ્રસ્તુત કરેલ છે જેથી દરેક શાળાઓ સ્પર્ધા અંગે સ્કોર જોઈ શકે.
જે અંતર્ગત, વિજેતાને ₹ 25,000 નગદ અને ટ્રોફી આપવામાં આવશે, જ્યારે રનર્સ-અપ ટીમને ₹ 15,000 નગદ અને ટ્રોફી આપવામાં આવશે. રમતગમતના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ખેલાડી અને દરેક મેચ માટે મેન ઓફ ધ મેચના પુરસ્કાર આપવામાં આવશે.
“દે ઘુમાકે ટુર્નામેન્ટ” યુવા ક્રિકેટરો માટે પ્રતિભા નિખારવાનું અને રમતગમતની ભાવના વધારવાનું પ્રતિષ્ઠિત મંચ બની ગયું છે. સચોટ આયોજન અને ઉત્સાહપૂર્ણ ભાગીદારી સાથે આ ઇવેન્ટ આકર્ષક સિઝન પ્રદાન કરે છે, જે ગુજરાત તેમજ વલસાડ જિલ્લાના ક્રિકેટ ચાહકો માટે યાદગાર બનશે.